” શિયાળાની સવાર ” નિબંધ Download [ Std 6 To 12 ] @gsebeservice

 ” શિયાળાની સવાર “

[1, પ્રસ્તાવના 2. ગામડાનું વાતાવરણ ૩. શહેરનું વાતાવરણ 4. લાભ  5. ગેરલાભ 6. ઉપસંહાર]

                    કોઈ પણ ઋતુની સવાર રમણીય, શીતળ અને સ્ફૂર્તિદાયક હોય છે. એમાંયે શિયાળાની સવાર તો સૌથી વધુ સુંદર અને એ વખતની ઠંડીય ગુલાબી હોય છે.

                   શિયાળાનો દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. તેથી શિયાળામાં સૂર્યોદય મોડો થાય છે. ઘણા લોકો સવારે વહેલા ઊઠી જાય છે. વહેલી સવારે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે. સવારનો ઠંડો પવન ઠંડીના પ્રમાણમાં ઑર વધારો કરે છે. ઝાડપાન અને પશુ-પક્ષી પણ ઠંડીથી ઠુંઠવાઈ જાય છે. ગામડામાં ખેડૂતો વહેલી સવારે ખેતરે જાય છે. તેમના બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાના રણકારથી વાતાવરણ જીવંત બની જાય છે. વલોણાના ઘેરા નાદથી તેમજ ઘંટીઓના મધુર અવાજથી ગામના વાતાવરણમાં સંગીત પ્રસરી જાય છે. કૂકડો કૂકડે … કૂક’ એવો સાદ કરી જાણે કે પ્રભાતના આગમનની છડી પોકારે છે. ધીમે ધીમે આકાશ અને ધરતી પર સૂર્યોદયની લાલી પ્રસરવા લાગે છે. વૃક્ષો અને વેલીઓને સૂર્યનાં કોમળ કિરણોનો સ્પર્શ થવાથી તેમાં નવું ચેતન પ્રગટે છે. સૂર્યનાં કિરણો ઝાકળનાં બિંદુઓ પર પડતાં તે મોતીની જેમ ચમકવા લાગે છે. પંખીઓ કલશોર કરીને પ્રભાતનું સ્વાગત કરે છે. કેટલાક લોકો તાપણું કરીને તેમની ટાઢ ઉડાડે છે.

                 શિયાળાની સવાર શહેરના જનજીવન પર પણ ગાઢ અસર કરે છે. કેટલાક લોકો ‘મૉર્નિંગ વૉક’ કરવા માટે નીકળી પડે છે. કેટલાક નવયુવાનો કસરત કરે છે. આ ઉપરાંત સવારના પહોરમાં છાપાના ફેરિયા, દૂધવાળા, વિદ્યાર્થીઓ, કારીગરો અને ધંધાદારીઓ દોડધામ કરતા જોવા મળે છે. જોકે ઘણા લોકોને હૂંફાળી પથારી છોડી દેવાનું ગમતું નથી. તેથી તેઓ મોડે સુધી પથારીમાં સૂઈ રહે છે અને સોના જેવો મૂલ્યવાન સમય ગુમાવે છે.

                 શિયાળાની સવારે વસાણું ખાવાની ખૂબ મજા પડે છે. શિયાળાની સવારનો વ્યાયામ અને વસાણું આપણને બારે મહિના સ્વસ્થ અને તાજામાજા રાખે છે.

                શિયાળાની સવાર દમ અને શ્વાસના દરદીઓને માફક આવતી નથી. જેમની પાસે ઓઢવા-પાથરવાની પૂરતી સગવડ નથી હોતી, તેવા ગરીબો માટે પણ તે કપરી નીવડે છે. ઘણી સેવાભાવી સંસ્થાઓ ગરીબોને ધાબળાનું દાન કરે છે.

                સામાન્ય રીતે શિયાળાની સવાર આનંદદાયક, શક્તિદાયક અને સ્ફૂર્તિદાયક જ હોય છે.

Leave a Comment